ભુજ ખાતે પીસી પીએનડીટી એડવાઈઝરી કમિટીની બેઠક યોજાઈ

ભુજ, ગુરૂવાર
આજ રોજ ચેરપર્સન શ્રીમતિ રેખાબેન દવેના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત ભુજ ખાતે જિલ્લા કક્ષાની પીસી પીએનડીટી એડવાઈઝરી કમિટીની બેઠક મળી હતી.
આ બેઠકમાં રજિસ્ટ્રેશનની માટે આવેલી નવી અરજીઓ તથા રીન્યુમાં આવેલી અરજીઓને મંજૂરી આપવામાં આવી હતી. વિશેષ આ બેઠકમાં પીસી પીએનડીટી અંગે કાયદાકીય સમજ માટે લોકોમાં જાગૃતિ આવે તે માટેના કાર્યક્રમો યોજવા, સમુહલગ્નમાં પ્રતિજ્ઞા સંદેશ મોકલવો, મહિલા કોલેજમાં જનજાગૃતિ અંગે કાર્યક્રમ યોજવા, બેટી વધાવો અંતર્ગત ૧ થી વધુ દિકરીઓના વાલીઓનું સન્માન કરવું, ફેમેલી પ્લાનીંગ કાર્યક્રમો યોજવા જેવી બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.મિતેશ પંડ્યા, પીસી પીએનડીટી એડવાઈઝરી કમિટીના સભ્ય શ્રીમતિ કાન્તાબેન સોલંકી અને પન્નાબેન જોષી, જી.કે.જનરલ હોસ્પિટલના ગાયનોકોલોજીસ્ટ ડો.પ્રફુલાબેન કોટક, પીડીયાટ્રીશયન ડો.મીત કણસાગરા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.